Thursday, October 30, 2008

જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ;ખૂબ પી, ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,કમ પીઓ, છાની પીઓ, પણ ભાનની સાથે પીઓ.*બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;કોઈની આંખોથી આંખો, મેળવી પીતો રહે,દિલના અંધારા ઉલેચી, રોશની પીતો રહે.*બાવરા થઇને કદી દરદર ન ભમવું જોઇએ,ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઇએ;વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,જેમ પડતાં જાય પાસાં એમ રમવું જોઇએ.*ઉર લતા છે ઉર્વશી જેવી, કમલ જેવાં નયન,મ્હેંકતી ઝુલ્ફો, ગુલાબી ગાલ, મુખ જાણે સુમન;અંત જેનો ખાક છે એવા જીવનમાં ઓ ખુદા !આ બધો શણગાર શાને ? આટલું શાને જતન ?*જે કલા સર્જનમાં રેડે પ્રાણ સર્જકની કમાલ,એ શું એનો નાશ કરવાનો કદી કરશે ખયાલ ?તો પ્રભુ ! આવી રૂપાળી વ્યક્તિઓ સંસારમાં,કેમ સર્જીને કરે છે એ જ હાથે પાયમાલ ?
- ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

No comments: