Sunday, June 8, 2008


કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ,

ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ.

ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની,

છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ,

જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ,

ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ઊગતા ચઁદ્ર ને જોઈ ને થાય છે ઢળતા સૂરજ નુ ગુમાન,

ચઁદ્ર આથમે અને ઊગે સૂરજ એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ચાલતા રસ્તા ને સમજી ને મઁઝીલ થઁભી ગયા પગલાઁ,

રસ્તાઓ ક્યારે મઁઝીલ બને એની રાહ જોઇ ને ઊભો છુઁ.

જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ,

એ હમસફર બને "મુસ્તાક" એની રાહ જોઇ ને ઊભો છુઁ.


કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,

હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,

અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,

જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!

જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,

પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,

ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!!!!

"સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર..
સાજા થવાની કોઇ ઉતાવળ નહી કરે"
તારો ને મારો મેળ નહી ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની તને સારવારની...

ઉપચારકો ગયા અને આરમ થઇ ગયો..,
પીડા જ રામબાણ હતી કોણ માનશે.....
કોઇ જઇને સમજવો ઉપચારકોને.,
ચીકીત્સા નકામી છે ખોટા નીદાને....

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?


કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
નામ તારું લઈ જીવેલી ક્ષણનો માંગ્યો આંકડો,
ને બધા પહોરોની જીભેથી ત્યાં ટપક્યો આઠડો.
આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.
નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો.
ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.
રોજ સાંજે સ્વપ્નની ગોરજ થઈને આવો કેમ?
આંખને પાદર ગણીને ગામનું તો ના અડો !
જાન ખુશ્બૂની જશે પાછી ફૂલોના દ્વારથી,
જો મળે નહીં રોકડા ઝાકળનો તાજો વાંકડો.

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
- મરીઝ


આપણી વચાળે જરી પ્રેમ છે ?


જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં

પાલવ અડક્યાનો મને વ્હેમ છે

સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી

ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?


આટલા અબોલા પછી આવો સવાલ, કહો

કેમ કરી ઊતરવું પાનું?

મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,

હોઠખોલીએ તો બોલવાનું બ્હાનું !


હું તો બોલીશ છતાં માનશો તમે કે

હજી દુનિયા આ મારી હેમખેમ છે !


વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ

ચાલતી દીવાલ થકી ઇંટો ?

ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ

કોરો રહે સ્મરણોનો વીંટો ?


દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી

આપણી વચાળે જરી પ્રેમ છે ?





મોહતાજ ના કશાનો હતો


મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?

મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,

એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,

આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,

ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,

આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?'

રૂસવા' કે જે શરાબી મનાતો રહ્યો સદા,

માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.